સંતતિ પરીક્ષણ કાર્યક્રમ (પ્રોજેની ટેસ્ટીંગ પ્રોગ્રામ)

સંતતિના જનીનીક ઉત્થાન માટે સંતતિ પરીક્ષણ કાર્યક્રમ સૌથી ખાતરીપુર્વકનું વિશ્વસનિય સાધન છે. પોતાની ઉત્પાદન ક્ષમતા માટે વખણાતી વિદેશી ગાયની ઓલાદો ફક્ત આ કાર્યક્રમની દેણ છે. તેઓ સંબંધિત દેશોની સરકારો, સંશોધન સંસ્થાનો, સંવર્ધન અસોશીયેશનો અને ખાનગી સંસ્થાઓના મોટા ભાગે સહિયારા અને કેટલાક કિસ્સામાં વ્યૈયક્તિક રીતે તેમના વડવાઓ પર કરાયેલ પીટી (પ્રોજેની ટેસ્ટીંગ) કાર્યક્રમની નિપજ છે.

આ કાર્યક્રમ માટે યોગ્ય સંસ્થાકીય માળખું, લાંબા ગાળાનું જીણવટ ભર્યું આયોજન અને અમલીકરણ માટે વહીવટી સ્વતંત્રતાની જરૂર રહે છે. આ કાર્યક્રમ માટે આજ ક્ષેત્રમાં કામ કરતી અલગ અલગ સંસ્થાઓએ સહયોગની ભાવના સાથે રાષ્ટ્રની દેશી ઓલાદોના સંવર્ધન અને સંરક્ષણ માટે સાથે કામ કરવાની જરૂરીયાત છે.

ઉદ્દેશ્ય

 • ટુંકા સમય ગાળામાં ઝડપથી જનીનીક ઉત્થાન મેળવવું.
 • રાજ્યની અને દેશની દેશી ઓલાદોનું સંવર્ધન કરવું અને તેમની ઉત્પાદકતા વધારવી.
 • રાજ્યની અને દેશની દેશી ઓલાદોનું સંવર્ધન અને સંરક્ષણ કરવું.
 • ભવિષ્યમાં મળનાર ઓલાદો વધુ ઉત્પાદન આપતી, રોગો સામે વધુ પ્રતિકાર ક્ષમતા ધરાવતી અને પ્રતિકુળ હવામાનમાં પણ ઉત્પાદકતા તથા પ્રજનન ક્ષમતા ટકાવી રાખતી મેળવવી.
 • દેશી ઓલાદોમાં વધુ ઉત્પાદકતા સાથે નિયમિત પ્રજનન ચક્ર જાળવે તેવી સંતતિ મેળવવી.
 • પશુપાલકને પશુપાલન દ્વારા વધુ અને નિયમિત આવક મળે તે માટે જાનવરોની ઉત્પાદકતા વધારી પશુપાલનને વ્યવસાયિક પ્રવૃત્તિનો દરજ્જો અપાવવો.

કાર્યપધ્ધતિ

પશુ ઓલાદોમાં ઉપયોગી ગુણો (ડીઝાયર્ડ ટ્રેઈટ જેવા કે દૂધ ઉત્પાદન, દૂધમાં પ્રોટીન ટકાવારી, પ્રજનનની નિયમિતતા, રોગ પ્રતિકારકતા, આઉ અને આંચળનો આકાર, શારીરીક ચરબી, ખોરાકનું ઉત્પાદનમાં રૂપાંતરણની ક્ષમતા – ફીડ ક‌ન્વરઝન એફીસીય‌ન્સી - વગેરે) માટેની ઉત્પાદકતા વધારવા માટે રૂઢિગત કાર્યપધ્ધતિ પ્રમાણે જાનવરનો શારીરીક બાંધો, ઉત્પાદકતા તથા તેની વંશાવળી ઉપર આધાર રાખવામાં આવે છે. જે માટેની ચોક્સાઈ અને આધારીતતા પ્રશ્નસૂચક છે. આ દ્વારા મેળવાતું જનીનીક ઉત્થાન અનિયમિત અને બીન ભરોસાપાત્ર હોય છે. વંશાવળી પરથી જાનવરની ઉત્પાદકતા નક્કી કરવાની પધ્ધતિઓ પ્રચલીત છે, પરંતુ તે માટેની અગાઉની ઓછામાં ઓછી ત્રણ પેઢીની ઉત્પાદકતાના ભરોસાપાત્ર આંકડાની ઉપલબ્ધી એ એક મોટો પશ્ન છે. કાંતો આ આંકડા મળતા નથી અને મળેતો મોટા ભાગના કિસ્સામાં ભરોસાપાત્રતા હોતી નથી. આ બધીજ શરતો પુરી કરાયા પછી પણ પસંદ કરાયેલ જાનવરની ઉપયોગી ગુણો તેની સંતતિમાં ઉતારવાની ક્ષમતા વધતી ઓછી હોઈ શકે છે. એટલેકે ઉત્તમ જનીનીક ગુણો ધરાવતા જાનવર તેમના ગુણો સંતતિમાં પુરે પુરા ઉતારે તે દરેક સંતતિ માટે સાચું નથી. સંતતિ પરીક્ષણ કાર્યક્રમ (પ્રોજેની ટેસ્ટીંગ પ્રોગ્રામ) ઉત્તમ જનીનીક ગુણો ધરાવતા જાનવર પસંદ કરવા ઉપરોક્ત તમામ પધ્ધતિઓનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ આ જનીનીક ગુણો સંતતિમાં ઉતારવાની તેની ક્ષમતા ચકાસવામાં આવે છે. એટલેકે જે તે જાનવરની સંતતિની ઉપયોગી ગુણોની ઉત્પાદકતા ચકાસીને જાનવરને બહોળા સંવર્ધન કાર્યક્ર્મ માટે પસંદ કરવામાં આવે છે.

અહીં દેશી નસ્લના નર જાનવર (પાડા/આખલા)ને શારીરીક બાંધો તથા તેની વંશાવળી ઉપરથી તાર્કીક ઉત્પાદકતા નક્કી કરી પસંદ કરવામાં આવે છે. અને દરેક નરની ૧૦૦ જેટલી માદા સંતતિ મેળવી તેની ઉત્પાદકતા માપવામાં આવે છે. જેમની સરેરાશ ઉત્પાદકતા સરખાવી સૌથી સારી તાર્કીક ઉત્પાદકતા ધરાવતા નરને પસંદ કરવામાં આવે છે. આવા નરના વિર્યનો કૃત્રિમ બીજદાન પધ્ધતિ દ્વારા પુરી વસ્તિમાં મહત્તમ ઉપયોગ કરી આખી નસ્લની ઉત્પાદકતા વધારવામાં આવે છે.

ઉક્ત વર્ણન ખુબજ સરળ રીતે ફક્ત દૂધાળા જાનવરો – ગાય અને ભેંસ – ની ઓલાદોમાં સંતતિ પરીક્ષણ કાર્યક્રમ સમજાવે છે. પરંતુ વાસ્તવમાં તેનું અમલીકરણ ખુબજ મોટી વ્યુહરચના, વ્યવ્સ્થાપન, આયોજન, માનવબળ, સમય અને મુડી માંગી લે છે.

સામા‌ન્ય રીતે ૧૦ બુલની બેચ પરીક્ષણ માટે સંતતિ પરીક્ષણ કાર્યક્રમમાં મુકવામાં આવે છે. આ નાનામાં નાની બેચ છે આનાથી મોટી બેચ પણ હોઈ શકે છે. જેમ બેચ મોટી તેમ પસંદગીનું ધોરણ ઊચ્ચ.

પ્રતિ બુલ ૧૦૦ પુખ્ત વયની માદા સંતતિ પ્રથમ વેતરના દૂધ ઉત્પાદન માટે જરૂરી છે. ૧૦૦ પુખ્ત વયની માદા સંતતિ મેળવવા ૨૫૦ માદા બચ્ચાં જન્મવા જોઈએ. કારણ ૨૫૦ બચ્ચાં જ‌ન્મ વખતે મળે તો મોટાં થતાં મરણ પ્રમાણ, રોગ હુમલો, વેચાણ, ભુખમરો, લંગડાપણું અને તેને લીધે પ્રજનન અક્ષમતા તથા સમય મર્યાદામાં ગાભણ ન થઈ શકવાના કારણે પ્રતિ બુલ ૧૦૦ પુખ્ત વયની માદા સંતતિ પ્રથમ વેતરના દૂધ ઉત્પાદન માટે મળે. ૨૫૦ માદા બચ્ચાં મેળવવા માટે કુલ ૫૦૦ બચ્ચાં જ‌ન્મવા પડે (૫૦% નર અને ૫૦% માદા બચ્ચાં). ૫૦૦ બચ્ચાં જ‌ન્મવા માટે કુલ ૬૦૦ પ્રેગ્ન‌ન્સી મેળવવી પડે (૨૦% પ્રેગ્ન‌ન્સી વેચાણ, બીમારી, તરવાઈ જવાથી કે માતાના મૃત્યુને કારણે વેડફાય છે). ૬૦૦ પ્રેગ્ન‌ન્સી મેળવવા માટે (ગર્ભધારણ – ક‌ન્સેપ્શન દર ૩૦% ગણતાં) પ્રતિ બુલ ૨૦૦૦ કૃત્રિમ બીજદાન કરવા પડે. જે જેતે નસ્લના વતનના વિસ્તારમાં દરેક એગ્રો-ક્લાઈમેટીક ઝોનમાં સરખી રીતે વહેંચાયેલા હોવા જોઈએ. આમ જો ૧૦ બુલની બેચ માટે ૫૦ ગામ પસંદ કરાયા હોય તો બુલ દીઠ ૪૦ બીજદાન દરેક ગામમાં રે‌ન્ડમ રીતે બ્રીડીંગ ઋતુમાં થવા જોઈએ. આમ એક ૧૦ બુલની બેચ માટે કુલ ૨૦,૦૦૦ કૃત્રિમ બીજદાન થવા જોઈએ.

આ માટે ગામની પસંદગી, કૃત્રિમ બીજદાન કાર્યકરોની પસંદગી અને તાલીમ, બીજદાન થયેલ માદા જાનવરની ઓળખ, તેની પ્રેગ્ન‌ન્સીની નોંધ, માદાજાનવરના વેતરની ઉત્પાદન નોંધ, જન્મેલ બચ્ચાંની ઓળખ, માદા બચ્ચાંનો ઉછેર, પુખ્ત ઉંમરે તેની પ્રેગ્ન‌ન્સી, પહેલા વેતરમાં માદા બચ્ચાંની ઉત્પાદન નોંધ, ૧૦ બુલના બધાજ માદા બચ્ચાંની ઉત્પાદન નોંધણી, સૌથી સારા બુલની મુલવણી અને તેના ૧૦ વર્ષ પહેલાં સંઘરેલા સીમેન ડોઝનો ઉપયોગ – આ બધુંજ ખુબજ મોટા કાર્યક્રમનો ચિતાર આપે છે.

આ જ રીતે દર વર્ષે આ પ્રોગ્રામ ચલાવવો પડે ત્યારે ૧૦ વર્ષ પછી તેના પરિણામ મળવા શરૂ થાય છે. પશ્ચિમના દેશોએ આ કાર્યક્રમ ૧૯૨૦ના દાયકામાં શરૂ કર્યા બાદ ૧૯૫૦ના દાયકામાં તેમને પ્રથમ સફળતા મળી. અત્યાર સુધીમાં ઉત્તર અમેરીકા અને યુરોપના હજારો બુલ પીટી કરાયેલ છે. ભારતે આ દીશામાં હજુ ઘણું કરવાનું છે. પોતાની દેશી નસ્લોને બચાવવા પીટી અનિવાર્ય છે.

જેમ બાસમતી ચોખા, લીમડો, કેરી જેવી ભારતીય વનસ્પતિ અને પાકની જાતો પર આપણો કુદરતી અધિકાર છે અને તેને પેટ‌ન્ટ રેજીમથી બચાવવા આપણે પ્રયત્નો કરીએ છીએ તથા વન્ય જીવન જેમકે સિંહ, વાઘ, ગેંડા, ઘુડખર, રીંછ, દીપડો, વલ્ચર (ગીધ), યાયાવર પક્ષીઓ તથા ચકલી, ખીસકોલી જેવા આજુબાજુ રહેતા પ્રાણીઓને ઉ‌ન્મુલનથી બચાવવા આપણે પ્રયત્ન કરીએ છીએ તેમ લાખો પશુપાલકોના જીવનને સીધી રીતે અસરકર્તા આપણી દેશી ઓલાદની ગાય અને ભેંસોની જાતો બચાવવા આપણે કાંઈકતો કરવું રહ્યું. હાલમાં વિદેશી જાતો જેવી કે એચ.એફ. અને જર્સી ગાયોની દૂધ ઉત્પાદન માટે બોલબાલા છે. તેમના મોટા કોમર્શીયલ ફાર્મ ખુલી રહ્યા છે. ૨ કે ૪ સંકર જાનવરો રાખતા પશુપાલકો શીવાય ૧૦૦, ૨૦૦ અને ૧૦૦૦ જાનવરો ધરાવતા મોટા ફાર્મ પણ સ્થપાઈ રહ્યા છે. પરંતુ ગૌશાળા અને પાંજરાપોળો સિવાય આવા મોટા ફાર્મ દેશી ઓલાદની ગાયો અને ભેંસો માટેના ખુબજ જુજ કે નહીવત્ત છે. અને આ જ થવાનું છે કારણ ફક્ત સિધ્ધાંતની વાતો, સાંસ્કૃતિક વારસો અને ઉપદેશો ફક્તથી પશુપાલકો આ જાતિઓ રાખતા થઈ જવાના નથી. તેમને પોસાય તેવી ઉત્પાદકતા વાળા જાનવરો ઉપલબ્ધ કરાવી આપો તો જ તેઓ પશુપાલનમાં દેશી જાતિઓને પ્રાધાન્ય આપશે.

આપણે શું કર્યું?

આપણી દેશી ઓલાદ ગીર બ્રાઝીલમાં ૭૦ - ૮૦ વર્ષો પહેલાં આયાત થઈ અને હાલમાં બ્રાઝીલમાં સૌથી વધુ દૂધ આપતી ગીર ગાયનું પ્રતિ દીન દૂધ ઉત્પાદન વર્ષ ૨૦૧૨-૧૩માં ૬૨ લી. પ્રતિ દીન હતું. તેઓ દ્વારા ગીર ઓલાદ પર આ સમયગાળા દરમિયાન સંતતિ પરીક્ષણ કાર્યક્રમ (પ્રોજેની ટેસ્ટીંગ પ્રોગ્રામ) કરવામાં આવ્યું અને તેના પરિણામો તેઓ હાલ મેળવી રહ્યા છે. પણ સૌથી મહત્વની બાબત એ છે કે બ્રાઝીલે આ દ્વારા ગીર પ્રજાતિને વ્યવસાયીક રીતે ઉત્પાદન માટે પોસાય તેવી બનાવી અને તેને નષ્ટપ્રાય થતી બચાવી. પણ બીજી આવી આપણી દેશી જાતિઓ નસીબવંતી નથી અને ખરેખરતો એ એક વક્રોક્તિ છે કે આપણે ભારતીયો એટલા નસીબદાર નથી કે આપણી અ‌ન્ય જાતીઓ માટે બ્રાઝીલ જેવા દેશોએ કામ કર્યું હોય. આ કામ આપણેજ કરવાનું હોય અને તે પણ બહુ મોડું થાય તે પહેલાં. દેશની અ‌ન્ય નસ્લોની પણ આ જ સ્થીતિ છે. ગીર જેવીજ ઉત્પાદકતા ધરાવતી સાહિવાલ નસ્લ સંકરણના ઉ‌‌ન્માદમાં ૯૯% જેટલી ખતમ થઈ ગઈ છે. ૧% જેટલાંજ શુધ્ધ સાહિવાલ જાનવર ઉપલબ્ધ છે. આવું જ કાંકરેજ, રેડ સીંધી, થરપારકર, હરીયાણા, ઓંગોલ વગેરે જેવી ગાયની દેશી ઓલાદો અને મહેસાણી, જાફરાબાદી, સુરતી, નીલીરાવી, નાગપુરી, પંઢરપુરી વગેરે જેવી ભેંસની દેશી ઓલાદો સાથે થયું છે.

શું વન્ય જીવો અને વનસ્પતિઓ બચાવવા જાગૃત ભારતીયો કરોડો પશુપાલકો અને તેનાથી ઘણા વધારે દૂધ અને તેની બનાવટોના ઉપભોકતાઓની જીંદગીઓને સીધી અસર કરે તેવા દેશી નસ્લના જાનવરોને બચાવવા કશું નહીં કરે? ખરેખર આ પ્રશ્ન લોકોની જાગૃતિનો છે. સામા‌ન્ય પ્રજાને આ બાબતે જાગૃત કરવાની જરૂર છે અને ત્યારેજ આ કામ સાથે સંકળાયેલ સંસ્થાઓએ કામ કરવા બાધ્ય થવું પડશે. સિંહ અને વાઘનું મૃત્યુ સમાચારપત્રોની હેડલાઈન બને છે કારણ પ્રજા આ બાબતે જાગૃત છે. આવી જાગૃતી દેશી ઓલાદોના સંવર્ધન અને તેમની ઉત્પાદકતા વધારવાના કાર્યો માટે હોય તો આ દેશના ઉત્પાદકો અને ઉપભોક્તાઓનું ભલું થશે અને આ દેશની મહામુલી પોતિકી ઓલાદો બચાવી સકાશે. આ માટે આજ વેબસાઈટ પર ઉપલબ્ધ "ભારતવર્ષમાં પશુપાલનનો ઈતિહાસ" વાંચવા ભલામણ છે.

કાર્યક્ર્મની ઉપલબ્ધી

ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડના ખુબજ સઘન પ્રયત્નો પછી પણ ક્ષેત્રિય કક્ષાએ સંતતિ પરીક્ષણ કાર્યક્રમ (પ્રોજેની ટેસ્ટીંગ પ્રોગ્રામ) અમલીકૃત કરવામાં તે સફળ થઈ નથી. આ માટેના કારણોમાં પીટીની કાર્યસુચી પ્રમાણે કાયમી માનવબળની અનુપલબ્ધી, આવા લાંબા ગાળાના સંવર્ધનના કાર્યક્રમો માટે સરકારી ઢાંચામાં લાંબા ગાળાની નિયુક્તિનો અભાવ અને સંવર્ધન સાથે સંકળાયેલ સંસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ અને તેઓ દ્વારા એક મંચ પર સાથે કામ કરવાની નિષ્ફળતાને ગણાવી શકાય. પરંતુ છેવટેતો નુકશાન પશુપાલકો, ઉપભોક્તાઓ અને દેશી ઓલાદનું છે. ગીર અને કાંકરેજ ગાય તથા મહેસાણી, સુરતી, જાફરાબાદી, અને બન્ની ભેંસ જેવી રાજ્યની દેશી ઓલાદો સૌથી મોટી નુકસાનપાત્ર છે કારણ ઉત્પાદકતાના રૂપમાં તેઓને વિદેશી નસલો તરફથી વ્યવસાયીક હરીફાઈનો સામનો કરવાનો છે.

 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation